શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

।। શ્રી હરિઃ ।। 

સહજ પ્રીત થી પ્રભુ મલે જ્યાં

સાધન સર્વ નિરર્થક છે ત્યાં

એવો માર્ગ જ્યાં ફલરૂપ સર્વ

દુર થાય જે કરે ત્યાં ગર્વ

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૧।।
લૌકીક વૈદિક કપટ થી કરજો

વલ્લભવચન ને ઉરમાં ધરજો

વૈષ્ણવ થઈ જો કરી ન સેવા

તો પછી વ્હાલા તમે વૈષ્ણવ કેવા?

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૨।।
સાંભળ્યા જાણે કેટલા પ્રવચનો

હાથ માં તુલસીદલ લઈ દીધા છે વચનો

શું બધુંજ ભુલી ગયા આપણે આજ?

વૈષ્ણવ વેશ ની પણ ન રાખી લાજ

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૩।।
મલ્યું છે જે અદેયદાન

કેટલું રાખ્યું તેનું માન?

બ્રહ્મસંબંધ નું વિચારશું કાલે

કાકા નો સંબંધ બગડે તે ન ચાલે

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૪।।
વૈષ્ણવતા રહી ગઈ પાછળ

લૌકિકકામના આવી ગઈ પહેલા

ઉજળા વસ્ત્ર ધરી ભલે ઉજળ્યા

પણ ધર્મ ના કપડા રહી ગયા મેલા

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૫।।
કર્યા અમે મનોરથ બહુ મોટા

પડાવ્યા જાણે કેટકેટલા ફોટા

વૈષ્ણવતા માં ભલે ગોટંગોટા

પણ ગામ કહે ભગવદીય મોટા

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૬।।
કીર્તન,સેવા થી પ્રભુ રીઝે

ગામ રીઝે શું થાય?

વલ્લભ વચન જો ના જીવન માં

તો વૈષ્ણવ શેનો કહેવાય?

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ ।।૭।।
બ્રમ્હસંબંધ લીઘુ છે જ્યારે

તો એ પ્રમાણે કરશું ક્યારે?

‘અમે વૈષ્ણવ’ એમ કહેતા રહેશું

પણ જ્યાં વચન દીધું ત્યાં જઈ શું કહેશું?

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ 

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૮।।

શ્રીવલ્લભ આશ્રય મુખ્ય છે

બાકી સર્વે છે ગૌણ

પણ ભોગવાદ ના દેકારા માં

મારી પીપુડી સાંભળે કોણ?

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૯।।
‘ઉત્તમશ્લોકી’ આ દાસ તો 

એકજ વસ્તુ જાણે છે

શ્રીવલ્લભપ્રતિ જેની દૃઢ રતિ

તેજ શ્રીકૃષ્ણરસ માણે છે

શ્રીવલ્લભવર ના આ મારગ માં વૈષ્ણવ થઈ ને ફરીએ છીએ

પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવન માં કાંઈ કરીએ છીએ? ।।૧૦।।

go.axay…

Leave a comment

Filed under ધોળ

Leave a comment